Saturday, April 20, 2024
Google search engine
HomeGujaratનાની અમથી વાતમાં પરિણીતાએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી, મોબાઈલમાંથી બહાર આવ્યું સિક્રેટ

નાની અમથી વાતમાં પરિણીતાએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી, મોબાઈલમાંથી બહાર આવ્યું સિક્રેટ

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રહેતી પરિણીતાએ ગત તા.12 ફેબ્રુઆરીના રોજ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે પરિણીતાના ભાઇની ફરિયાદ પરથી પોલીસે તેણીને મરવા મજબૂર કરવા અંગે પતિ, સાસુ-સસરા અને નણંદ-નણદોયા સામે ગુનો નોંધાયો છે. પરિણીતાએ આપઘાત પૂર્વે ભાઇને મેસેજ કરી તેના મોબાઇલનો પાસવર્ડ મોકલી આપ્યો હતો જેમાં આપઘાત પૂર્વેનો વીડિયો અને તેના કારણ અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભાઈએ પોલીસ ફરિયાદ કરી
ખંભાળિયાના મોવાણ ગામના વતની અપિલભાઇ ભીખુભાઇ જોગલ (ઉ.વ.26) દ્વારા ધોરાજી પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધોરાજીમાં જમનાવડમાં રહેતા તેના બનેવી અનિલ પરબતભાઇ ગોજીયા, બહેનના સસરા પરબત ગોજીયા, સાસુ રાધાબેન, નણંદ નીકીતાબેન પ્રવિણભાઇ ડાંગર, નણંદોયા પ્રવિણ ડાંગરના નામ આપ્યા છે.

બહેરના 28 નવેમ્બર 2021ના રોજ લગ્ન થયા હતા
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદીને બે ભાઈ બે બહેનનો પરિવાર છે, જેમાં વચેટ બહેન વીજુ ઉર્ફે વૈશાલીના લગ્ન મૂળ જામખંભાળિયાના કોઠા વિસોત્રી ગામના વતની અને હાલ ધોરાજીમાં જમનાવડ રોડ પર રહેતા પરબતભાઈ ગોજીયાના પુત્ર અનિલ ગોજીયા સાથે ગત 28/11/2021ના રોજ થયા હતા. લગ્નના પાંચેક માસ સુધી ઘરસંસાર સારી રીતે ચાલ્યા બાદ ફરિયાદીના બહેન વીજુ પ્રસંગોપાત મોવાણા આંટો મારવા આવી હતી. ત્યારે ઘરના સભ્યોને વાત કરી હતી કે, સાસુ રાધાબેન અને સસરા પરબતભાઈ બન્ને મને અવારનવાર રસોઈમાં રોટલી કેમ વધી? શાક-રોટલી બરાબર બનાવતી નથી કહી મેણાટોણા મારે છે.

પતિ અનિલ મને દવાખાને લઈ જતો નથી
તેમજ નણંદ નિકિતા અને નણંદોયા પ્રવીણભાઇ દર શનિ-રવિની રજામાં અહીં આવતા હોય તે પણ મેણાટોણા મારે છે. પતિ અનિલ મને દવાખાને લઈ જતો નથી. તે પણ મને અવારનવાર પૈસાની માગણી કરે છે, મારે કોઈ જરૂરી વસ્તુ ખરીદવી હોય તો ખરીદવા દેતો નથી અને ઝઘડો કરે છે. દીકરીને સાસરિયામાં આવું ચાલ્યા કરે જે સહન કરી લેવાનું તેમ કહી સમજાવીને પરત મોકલી હતી.

તમારા સમજાવ્યા મુજબ સહન કરીને રહું છું
25 દિવસ પૂર્વે વૈશાલી ફરી માવતર આંટો મારવા આવી હતી અને કહ્યું હતું કે, તમારા સમજાવ્યા મુજબ સહન કરીને રહું છું, પરંતુ મારા સાસુ-સસરા. નણંદ-નણંદોયા દુઃખ ત્રાસ આપવાનું બંધ કરતા નથી. પતિ અનિલ અવારનવાર કહે છે કે, તું તારા પપ્પાના ઘરેથી પાંચ લાખ રૂપિયા લેતી આવ. નણંદ નિકિતા અવારનવાર કહે છે કે, મને મારા પપ્પાએ 30 તોલા સોનું આપ્યું છે, તું પણ તારા પપ્પા પાસેથી સોનુ લેતી આવ.

તને કોઈ દુઃખ ત્રાસ આપે તો ફોન કરજે અમે આવીશું
આથી દીકરીને ફરી આશ્વાસન આપ્યું હતું કે, અમે અનિલને વાત કરી સમજાવશું, તને કોઈ દુઃખ ત્રાસ આપે તો ફોન કરજે અમે આવીશું. દરમિયાન અહીં 10 દિવસ રોકાયા બાદ પતિ અનિલ તેને લેવા આવ્યો હતો. ત્યારે ફરિયાદીએ બનેવીને કહ્યું હતું કે, મારી બહેનને પૈસા બાબતે કેમ હેરાન કરો છો. જેથી અનિલે કહ્યું હતું કે, હવે તમારી બહેનને કોઈ હેરાન નહીં કરે. બાદમાં તારીખ 12/2/2023ના ફરિયાદી અપીલભાઈની તબિયત સારી ન હોય તેવો રાત્રિના 8:30 વાગ્યે ઘરે સૂઈ ગયા હતા.

ભાઈ મારો મોબાઇલનો લોક 5054 છે
દરમિયાન તેમણે પોતાનો ફોન જોતાં તેમાં બહેન વીજુનો મેસેજ આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે, ભાઈ મારો મોબાઇલનો લોક 5054 છે. જેથી તેને શંકા જતા તુરંત ફોન કર્યો હતો. પરંતુ બહેને ફોન ન ઉપાડતા કંઈક અજુગતું બન્યાની શંકા ગઈ હતી. બાદમાં બનેવીને ફોન કર્યો હતો. જેથી તેણે કહ્યું હતું કે હું નીચે સૂતો છું અને વૈશાલી ઉપરના રૂમમાં સૂતી છે. થોડીવાર બાદ ફરી ફોન કરતા કહ્યું હતું કે, વૈશાલી દરવાજો ખોલતી નથી. ત્યારબાદ તેણે ગળેફાંસો ખાઈ લીધો હોવાનું માલુમ પડ્યું હતું.

આપઘાતના કારણના વીડિયો બનાવ્યા
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેની બહેને મોબાઇલમાં પાસવર્ડ ચેન્જ કર્યો હોય અને તેનો નંબર તેને મોકલ્યો હતો. આ મોબાઇલમાં તેણે આપઘાત અને આપઘાતના કારણ પાછળના વીડિયો મેસેજ બનાવ્યા હતા. જે તે મારા સુધી પહોંચાડવા માગતી હતી. પરિણીતાના ભાઈની ફરિયાદ પરથી પોલીસે તેણીના પતિ સહિતના સાસરિયાઓ સામે તેણીને મરવા મજબૂર કરવા અંગે કલમ 306 ત્રાસ આપવા અંગે 498(ક), 114 અને દહેજ ધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page