Thursday, May 16, 2024
Google search engine
HomeGujaratઈસ્કોન બ્રિજ પર 9ને કચડનાર લક્ઝુરિયસ જેગુઆર કાર દોઢ મહિના બાદ ફરી...

ઈસ્કોન બ્રિજ પર 9ને કચડનાર લક્ઝુરિયસ જેગુઆર કાર દોઢ મહિના બાદ ફરી અમદાવાદના રસ્તાઓ પર દોડશે

અમદાવાદ ઇસ્કોનબ્રિજ અકસ્માત કેસમાં મોંઘીદાટ જેગુઆર ગાડી વડે 09 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કારચાલક તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ફરિયાદ નોંધીને 1684 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. અકસ્માત બાદ સામે આવ્યું હતું કે તથ્ય જે જેગુઆર ગાડી ચલવતો હતો એ તેની કે તેના પિતા પ્રજ્ઞેશ પટેલની નહિ, પણ ક્રિશ વારિયા નામના શખસની છે. જે ગાડી તપાસનીશ એજન્સીએ જપ્ત કરી હતી. જોકે આ ગાડીને જામીન મળી જતાં આજે બપોરે 03.30 કલાકે એસ.જી. હાઇવે 02 ટ્રાફિક-પોલીસ સ્ટેશન ખાતેથી છોડવામાં આવશે, સાથે સાથે પ્રજ્ઞેશ પટેલ જે MG ગ્લોબસ્ટર ગાડી લઈને તથ્યને લેવા અકસ્માત સમયે ઘટનાસ્થળે આવ્યો હતો એ ગાડીને પણ છોડવામાં આવશે.

ત્યારે ક્રિશ વારિયાએ એ ગાડી પરત મેળવવા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેનો નંબર Gj 01wk 0093 છે. અકસ્માતમાં ગાડીને નુકસાન થયું છે. ત્યારે મૂળ માલિકે બિઝનેસમાં ગાડી વગર તકલીફ પડતી હોવાની કોર્ટમાં રજૂઆત કરી હતી. તેણે ગાડી વચગાળાના સમય માટે પરત મેળવવા કોર્ટ જે પણ શરત મૂકે એની સાથે સંમતિ દર્શાવી હતી. આ મુદ્દે તપાસ અધિકારીએ કોર્ટમાં રિપોર્ટ પણ જમાં કરાવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે ગાડીની કિંમત 78 લાખ રૂપિયા છે. અત્યારે Crpc અંતર્ગત ચાર્જશીટ બાદ 173/8ની તપાસ ચાલી રહી છે. એક ઘાયલ વ્યક્તિ હજી હોસ્પિટલમાં દાખલ છે, તેથી ગાડી પરત આપી શકાય નહિ.

અરજદારના વકીલે દલીલ કરી હતી કે ગાડી પોલીસ કસ્ટડીમાં ખુલ્લા વિસ્તારમાં પડી છે, જેથી તેના ટાયર, એન્જિન વગેરે ભાગને નુકસાન થતાં અરજદારને મોટું નુકસાન થઈ શકે એમ છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે આ મુદ્દે અગાઉ માગ કરવામાં આવી હતી, જેને કોર્ટ દ્વારા નકારવામાં આવી હતી. આરોપીએ પણ જણાવ્યું હતું કે તેઓ ગાડીની માલિકી ધરાવતા નથી, જેથી આ મુદ્દામાલ મૂળ માલિક એટલે કે અરજદાર ક્રિશ વારિયાને અપાય તો કોઈ વાંધો નથી.

કોર્ટે નોંધ્યું હતું કે ગાડી લાંબા સમયથી પોલીસ કસ્ટડીમાં છે. ગાડીને નુકસાનની શક્યતા છે, આથી Crpcની કલમ 451 નીચે ગાડી અરજદારને આપવી જોઈએ, પણ જરૂર પડે ગાડી તપાસ અર્થે ઓથોરિટી સમક્ષ હાજર કરવી પડશે. ગાડી અત્યારે એસ.જી. હાઇવે 02 ટ્રાફિક-પોલીસ મથકે પડી છે. અરજદારને ગાડી આપવા કોર્ટે હુકમ કર્યો છે. ઉપરાંત અરજદારે 01 કરોડ રૂપિયાના વ્યક્તિગત અને સિક્યોરિટી બોન્ડ કોર્ટમાં ભરવા પડશે. કોર્ટની પરવાનગી વગર અરજદાર ગાડી કોઈને વેચી કે આપી શકશે નહિ. તપાસ અધિકારી ગાડી આપતી વખતે પંચનામું કરશે, ઉપરાંત ગાડીના ચારેય બાજુથી ફોટા પાડશે.

ઉલ્લેખનીય છે કે તથ્ય પટેલના કેસમાં હવે આગામી સુનાવણી 13 સપ્ટેમ્બરે રાખેલી છે. ગત સુનાવણીમાં આરોપીઓએ Crpc નિયમ અંતર્ગત 164નાં નિવેદનોની માગ અને ચાર્જશીટ બાદ 173/8ની તપાસના કાગળિયાની માગ કરી હતી, જેમાં સરકારી વકીલે 173/8ની તપાસના કાગળિયા આપવા બાંયધરી આપી હતી. 164માં નિવેદન જે તથ્યના પાંચ મિત્રો અને વીડિયો ઉતારનાર બાઈકચાલક સહિત કુલ 08 લોકોનાં છે, જેને મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યાં હતાં, જેથી આગામી સમયમાં કોર્ટ આરોપીઓને એ ડોક્યુમેન્ટ્સ આપશે. 164નાં નિવેદન મેળવવા આરોપીઓને કોર્ટમાં અરજી આપવા જજે જણાવ્યું હતું.

ઉપરાંત ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં બંને પિતા-પુત્રને ઉપસ્થિત કરાયા હતા. બંને પોતાના વકીલને મળ્યા હતા. ઉપરાંત Crpcના નિયમ 207 મુજબ બાઈકરના વીડિયો અને સીસીટીવી માગ્યા હતા, જેમાંથી અમુક મળ્યા હોવાની રજૂઆત આરોપીના વકીલે કોર્ટ સમક્ષ કરી હતી. જ્યારે ઘટનાના રિકન્સ્ટ્રક્શનના વીડિયો અને પંચનામાની પણ આરોપીના વકીલે માગ કરી હતી, કારણ કે સરકારી વકીલ દલીલોમાં એનો ઉલ્લેખ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પ્રજ્ઞેશ પટેલ MG ગ્લોબસ્ટર ગાડી લઈને તથ્યને લેવા અકસ્માત સમયે ઘટનાસ્થળે આવ્યો હતો. એ ગાડી પણ છૂટી ગઈ છે, જ્યારે જેગુઆરને આજે બપોરે 03.30 કલાકે એસ.જી. હાઇવે 02 ટ્રાફિક-પોલીસ સ્ટેશન ખાતેથી છોડવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page