Monday, May 20, 2024
Google search engine
HomeGujaratઆ ગુજરાતી યુવક સાથે સાપને કંઈ વેર છે? 9 વખત એક જ...

આ ગુજરાતી યુવક સાથે સાપને કંઈ વેર છે? 9 વખત એક જ આંગળીમાં કરડ્યો

એક વિચિત્ર અને માની ન શકાય એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવકને સાપ વારંવાર ડંખ મારી રહ્યો છે. તેનાથી પણ વધુ શોકિંગ વાત એ છે કે સાપ યુવકને શરીરમાં એક જ જગ્યાએ એટલે એક જ આંગળીમાં ડંખ મારી રહ્યો છે. સાપના ડરથી યુવકે રહેવાની અનેક જગ્યાઓ બદલી તો પણ સાપ યુવકનો પીછો છોડવાનું નામ નથી લેતો.

રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત સાર્થક કરતો એક કિસ્સો ગીર સોમનાથ જિલ્લાના નાના એવા કંસારી ગામના દલીત પરીવારમાં બનવા પામ્યો છે. કંસારી ગામમાં વસવાટ કરતા એક યુવાનને સાપે છેલ્લા 2 વર્ષમાં શરીરના એકજ અંગ પર 9 વખત ડંખ માર્યા છે. તેમ છતા આ યુવાને જીવન મરણ વચ્ચેનો જંગ જીતી મોતના મુખમાંથી બહાર આવ્યો છે. હવે સાપના ડંખથી બચવા પરિવારના કહેવાથી આ યુવક સુરત સ્થાયી થયો છે.

9 વખત સાપે ડંખ માર્યા છતા યુવક જીવે છે
કંસારી ગામે રહેતો મહેશ પરબતભાઇ સરવૈયા ઉ.વ.28 તેના પરિવાર સાથે મજુરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ મહેશ સાથે છેલ્લા બે વર્ષથી એક ઘટના વારંવાર બનતી રહેતી હોય છે. એ ઘટના જોગાનું જોગ સમજવી કે કુદરતી કહેવી તે હજુસુધી સમજાતુ નથી. આ યુવાનને છેલ્લા બે વર્ષમાં 9 વખત સાપે ડંખ માર્યા અને જોવાની ખુબી એ છે કે સાપ મહેશના જમણા પગની ત્રીજી આંગળીમાં જ ડંખ મારે છે. આ ઝેરી સાપ ડંખ મારતા તેની હાલત પણ એક વખત નહી અનેક વખત ગંભીર થઇ છે. ઘણી વખત તો ખાનગી હોસ્પિટલના તબીબોએ હાથ હેઠા મુકી દીધા હતા. અંતે સરકારી હોસ્પિટલના તબીબ ડો. એન.કે. જાદવ દ્વારા આ યુવાનની સારવાર કરી અનેક વખત મોતના મુખમાંથી બહાર કાઢ્યો છે.

મહેશની સાથે કેવી રીતે આ ઘટના બને છે?
જ્યારે મહેશ ઘરમાં કામ કરતો હોય ત્યારે જ સાપ ડંખ મારે છે. એટલું જ નહીં પણ એક વખત તો મહેશના ઘરમાં ચુલ્લાની અંદર સાપ બેસેલો હતો અને ઘરના સભ્યો કામ કરતા હતા. ત્યારે સાપે મહેશને ડંખ માર્યા હતો. ત્યારબાદ સાપ પકડનારને બોલાવી સાપને દૂર મુક્ત કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન મહેશ પણ સારવાર પુરી થયાબાદ કામે લાગી ગયો હતો. પણ મનમાં સાપ હવે ડંખ ન મારે તેની ચિંતા સતત તેને અને તેના પરિવારના સભ્યોને રહેતી હોય છે. અંતે ઘરની આસપાસ જ સાપ ડંખ મારે છે એટલે તેને ઘરથી દૂર સંબંધીની વાડીએ મોકલી દેવાયો હતો.

સાપ ઘરના અન્ય કોઈ સભ્યને ડંખ ના મારે
હવે સાપ હેરાન નહી કરે તેમ માની રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ રાહત થોડા સમયપુરતી જ મર્યાદીત હતી. કારણ કે એક દિવસ અચાનક વાડીમાં આરામ કરતા મહેશને ફરી એક વખત સાપે ડંખ મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સાપ દરવખતે મહેશને જમણા પગની આંગળી પર જ ડંખ મારે છે. જેને લઈ મહેશના પરિવારજનો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. મહેશની સાથે આ શું થઈ રહ્યું છે તે સમજાતુ ન હતું. કેમ કે સાપ ઘરના અન્ય કોઈ સભ્યને ડંખ ના મારે ફક્ત મહેશને જ ડંખ મારે એટલે પરિવારના સભ્યો પણ કંટાળી ગયા કે હવે શું થશે?

સાપ બાથરૂમમાંથી બહાર નિકળ્યો, ડંખ મારી જતો રહ્યો
અંતે કંસારીથી થોડેદૂર વાવરડા ગામે રહેતા મહેશના મામા જયંતિ વાજાએ મહેશને વાવરડા તેમના ઘરે બોલાવી લીધો હતો. મહેશ પણ મામાના ઘરે રહેવા ચાલ્યો ગયો હતો. તેમ છતાય સાપે મહેશનો પીછો ના મુક્યો. એક દિવસ મહેશ વાવરડા તેમના મામાના ઘરે હતો, ત્યારે સાપ બાથરૂમમાંથી બહાર નિકળ્યો અને ડંખ મારી જતો રહ્યો. ત્યારબાદ ફરી એક વખત મહેશને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સુરત સ્થાયી થયા પછી સાપના ડંખથી છુટકારો મળ્યો
આમ, સાપે 8 થી 9 વખત ડંખ માર્યા બાદ પણ મહેશ સારવાર દરમિયાન મોતના મુખમાંથી બહાર આવી જાય છે. ત્યારબાદ પરિવારે પોતાના વ્હાલસોયાને સમજાવી અંતે સુરત સ્થાયી થવા નિર્ણય કર્યો અને હાલ મહેશ સુરત મુકામે હિરા ઘસવાનું કામ કરે છે. થોડા દિવસ પહેલા સુરતથી કામ અર્થે કંસારી આવ્યો હતો અને કામ પૂર્ણ થયા બાદ તુરંત જ સુરત જવા નિકળી ગયો હતો. આમ, આ ઘટના કુદરતી સમજવી કે જોગાનું જોગ એ બાબત તેમના પરિવારજનો પણ વિચારી રહ્યાં છે.

શું કહે છે વનકર્મી?
આ બાબતે વનકર્મીનું કહેવું છે કે, સાપને જેનાથી ભય લાગે એને જ કરડે છે. સાપનું ઝેર માણસના મગજની નસને 15 મિનિટમાં જ ફાડી નાખે છે.

શું કહે છે તબીબ?
તબીબનું કહેવું છે કે, સાપ શરીરના ચોક્કસ ભાગ પર દરેક વખતે કરડે એનું કોઇ ચોક્કસ કારણ નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page