Tuesday, May 21, 2024
Google search engine
HomeGujarat''કેટરિના-કરિનાઓને જોશો તો ક્યારેય પોતાને નહીં બચાવી શકો, આત્મ રક્ષાના ક્લાસ કરો''

”કેટરિના-કરિનાઓને જોશો તો ક્યારેય પોતાને નહીં બચાવી શકો, આત્મ રક્ષાના ક્લાસ કરો”

સુરતમાં પાગલ પ્રેમી દ્વારા 21 વર્ષીય યુવતી ગ્રીષ્મા વેકરિયાની સરાજાહેર ગળું કાપીને હત્યાના બનાવે દરેક માતા-પિતાની ચિંતા વધારી દીધી છે. ઘરમાં ઉછળકૂદ કરતી માસૂમ દીકરીએ પળવારમાં આંખો મીચી દીધી એ વાતથી અનેક પરિવારો ફફડી ગયા છે. ટપોરીઓ દ્વારા દીકરીઓની છેડતીના બનાવ સામે આવતાં માતા-પિતાઓ પણ પોતાના સંતાનને લઈને ચિંતામાં મૂકાયા છે. ત્યારે બીજી તરફ દીકરીઓને સેલ્ફ ડિફેન્સના ક્લાસ કરાવવાની વાતે જોર પકડ્યું છે. સુરતના સંગઠન ‘લોક રક્ષક સેના’એ એક વીડિયો પોસ્ટ કરી માતા-પિતાને દીકરીઓને સેલ્ફ ડિફેન્સ ક્લાસ જોઈન કરાવવાની સલાહ આપી છે. સાથે જ તેમણે ટપોરીઓનો કેવી રીતે સામાનો કરવો એ પણ વીડિયો બનાવી દેખાડ્યું હતું.

લોક રક્ષક સેનાના જય પટેલ નાગરજે એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે, ”હું આજકાલની છોકરીઓને કહેવા માંગું છું કે તમે તમારી છોકરીઓને ડાન્સ અને ગરબા ક્લાસમાં મોકલો છો તેના કરતાં તમે તમારી છોકરીઓને આત્મરક્ષા શીખવો. સુરતમાં અમારું ‘લોક રક્ષક સેના’ અને ‘એક્તા એજ લક્ષ’ નામના સંગઠન છે, જે સેલ્ફ ડિફેન્સના ક્લાસ ચલાવે છે.તમે તમારી દીકરીને આત્મરક્ષા શીખવાડો. આ ડાન્સ ક્લાસમાં ફક્ત કમર હલાવતા જ શીખશે, બીજું કંઈ નહીં શીખે. જ્યાં સુધી આપણા હિન્દુસ્તાનની છોકરીઓ પોતાની રક્ષા જાતે નહીં કરે શકે ત્યાં સુધી તેને કોઈ નહીં બચાવી શકે. પોલીસ અને તંત્રની રાહ જોતા રહેશો ત્યાં સુધીમાં કોઈક તમારું ગળું કાપીને ચાલ્યું જશે. જો બચવું હોય તો આત્મરક્ષા શીખો.”

તેમણે કહ્યું કે, ”અમે શાખા ચાલુ કરાવીએ ત્યારે પહેલા હનુમાન ચાલીસા વંચાવીએ છીએ. આપણી અંદર નેગેટિવિટી એટલી ફેલાયેલી છે, જ્યાં સુધી આત્મવિશ્વાસ નહીં આવે ત્યાં સુધી તમે જાતે તમારી રક્ષા નહીં કરી શકો. ખુદ ને બચાવવા માટે તમારે ધર્મની તરફ જવું પણ જરૂરી છે. તમે કેટરિના અને કરિનાઓને જોશો તો ક્યારેય ખુદને નહીં બચાવી શકો. આજની છોકરીઓએ કંઈક શીખવું હશે ને તો રાણી લક્ષ્મીબાઈ અને રાણી જાજાબાઈનો ઈતિહાસ પડવો પડશે, તો જ એ ખુદને બચાવી શકશે.”

તેમણે વધુમાં કહ્યું, ”હજી પણ સમય છે. જેમના ઘરમાં છોકરીઓ છે એ મા-બાપ પોતાના સંતાનોને જરૂરને જરૂર સેલ્ફ ડિફેન્સ શીખવાડે. તમારી છોકરીને બચાવવી હોય તો તેમને જરૂર આત્મ રક્ષાના ક્લાસ કરાવો.”

શું હતો બનાવ
મૂળ જૂનાગઢના નાગલપુરના વતની અને હાલ પાસોદરા પાટિયા-નવાગામ ખાતે આવેલી લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી ગ્રીષ્મા નંદલાલ વેકરિયા (ઉં.વ.21) જે.જે.શાહ કોલેજમાં બી-કોમનો અભ્યાસ કરે છે. દરમિયાન તેની સાથે અભ્યાસ કરતા મૂળ મોટી વાવડી, ગારિયાધારના વતની અને હાલ કાપોદ્રા સાગર સોસાયટીમાં રહેતો ફેનીલ પંકજ ગોયાણી છેલ્લા ઘણા સમયથી ગ્રીષ્માને હેરાન-પરેશાન કરતો હતો.

છેલ્લા કેટલાક દિવસથી યુવક ફેનિલ યુવતી ગ્રીષ્મા નો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. દરમિયાન એકતરફી પ્રેમમાં પાગલ બનેલા ફેશન ડિઝાઇનર ફેનીલ સાંજે ગ્રીષ્માના ઘરે પહોંચી ગયો હતો.

ગ્રીષ્મા વેકરિયાના મોટા પપ્પાએ આજે ફરી ઠપકો આપતા યુવક ફેનિલે ઉશ્કેરાઈને ચપ્પુથી હુમલો કર્યો હતો. યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી તેને રસ્તા પર લઈ ગયો હતો. યુવતીના પરિવાર સભ્યો તેમજ અન્ય લોકો ગ્રીષ્માને છોડી મુકવા આજીજી કરતા રહ્યા હતા પરંતુ ફેનીલ એકનો બે થયો ન હતો. અને નિર્દયી ફેનિલે સરાજાહેર પરિવારની સામે ચપ્પુથી ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. છોડાવવા વચ્ચે પડેલા ગ્રીષ્માના મોટા કાકા સુભાષભાઈને તેમજ ગ્રીષ્માના ભાઇ ધ્રુવને પણ ચપ્પુથી ઇજા પહોંચાડી હતી.

એટલું જ નહીં ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ પર પણ ફેનિલ ગોાયાણીએ હુમલાની કોશિશ કરી હતી. ત્યારબાદ હત્યારા યુવકે ઝેરની ગોળી ખાધી હતી. પોલીસ આવતા હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બાદમાં તેને સ્વિમેર હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે.

પોલીસે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. ગ્રીષ્માના પિતા નાઇજીરીયામાં હીરાના વેપાર સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ગ્રીષ્મા માતા વિલાસબેન અને ભાઇ સાથે રહેતી હતી. ગ્રીષ્માની હત્યાની જાણ થતાં જ તેના પિતા નાઇજીરીયાથી વતન આવવા રવાના થઈ ગયા છે. આ ચકચારી ઘટનાથી આખા ગુજરાતમાં રોષ સાથે અરેરાટી વ્યાપી ગઈ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page