Wednesday, June 26, 2024
Google search engine
HomeNationalવેપારી પતિની સ્લો પોઈઝન આપી હત્યા કરનારી બેવફા પત્ની અને પ્રેમીની ધરપકડ

વેપારી પતિની સ્લો પોઈઝન આપી હત્યા કરનારી બેવફા પત્ની અને પ્રેમીની ધરપકડ

પતિ અને પત્નીના વિશ્વાસના સંબંધને બદનામ કરતી ઘટના બની છે. પત્નીએ તેના પ્રેમી સાથે મળીને વેપારી પતિ કમલકાંત શાહને જમવામાં સ્લો પોઈઝન આપી ઠંડે કલેજે હત્યા કરતા ચકચાર જાગી છે. આરોપી પત્ની તેના પતિની સંપત્તિ હડપ કરવા માગતી હતી. તેણે વીમા એજન્સીને પતિની પોલીસે વિશે પણ પૂછપરછ કરી હતી.

બંને ચાલબાજ આરોપીને એમ હતું કે હત્યાના કાવતરાની કોઈને જાણ થશે નહીં. પરંતુ મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી પોલીસને શંકા ગઈ હતી. છેવટે પોલીસે કલાકો સુધી ઝીણવટભરી પૂછપરછ કરતા ગૃહિણી અને તેના પ્રેમીએ વટાણા વેરી નાખ્યા હતા. કોર્ટે તેમને 8 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.

પોલીસે વેપારી કમલકાંત શાહની હત્યાના આરોપસર પત્ની કવિતા ઉર્ફે કાજલ શાહ (ઉં.વ.46) અને તેના પ્રેમી હિતેશ જૈન (ઉં.વ.45)ની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે. અગાઉ વ્યવસાય નિમિત્તે કમલકાંત અને હિતેશની મિત્રતા થઈ હતી. બીજી તરફ કમલકાંતની પત્ની કાજલ સાથે હિતેશને પ્રેમ થઈ ગયો હતો. અંદાજે 10 વર્ષથી બંને વચ્ચે અનૈતિક સંબંધ હોવાનું કહેવાય છે.

24 ઓગસ્ટે કમલકાંતને પેટમાં દુખાવો થયો હતો. તેને ઉલટીઓ થઈ હતી. તેમણે ફેમિલી ડોક્ટર પાસેથી દવા લીધી પરંતુ દુખાવો ચાલુ રહેતા અંધેરીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમ છતાં તબીયતમાં સુધારો ન થતા તેમને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વેપારીને એક પછી એક અવયવ કામ કરતા બંધ થઈ ગયા હતા. 19 સપ્ટેમ્બરે શાહનું મૃત્યુ થયું હતું.

ડોક્ટરે મૃતકના લોહીના નમૂના ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલ્યા હતા. જેના આધારે મૃતકમાં આર્સેનિકનું પ્રમાણ સામાન્ય સ્તર કરતા 400 ગણુ વધુ અને થોલિયમનું પ્રમાણ ૩૬૫ ગણુ વધુ હતું. પછી શાહને મોઢાથી ઝેરી પદાર્થ આપવામાં આવ્યો હોવાનું માલૂમ પડયું હતું.

શરૂઆતમાં આ મામલે એક્સીડેન્ટલ ડેથનો કેસ નોંધવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ કેસની તપાસ કરી રહી હતી. તે સમયે પોસ્ટમોર્ટમ અને ડોક્ટરની તપાસનો રિપોર્ટ મળ્યો હતો. શાહ અને તેમના પરિવારના કોલ ડિટેઈન રેકોર્ડની ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી.

મૃતક કમલકાંતને તેની પત્નીના અનૈતિક સંબંધની શંકા ગઈ હોવાનું કહેવાય છે. બંને વચ્ચે ઝઘડો થતો હતો. આથી કાજલ પિયરમાં રહેવા ગઈ હતી. તે 15 જૂને કેટલીક શરતો સાથે પાછી સાસરિયામાં રહેવા આવી હતી.

આરોપી કાજલ અને તેના પ્રેમીએ કમલકાંતની હત્યા કરી તેની સંપત્તિ મેળવવાનું નક્કી કર્યું હોવાની શંકા છે. આરોપીએ ખોરાકમાં આર્સેનિક અને થેલિયમ મેળવીને તેની હત્યાનું કાવતરું ઘડયું હતું.

વેપારી શાહની તબીયત નાજુક હોવા છતાં કાજલ તેમની સાથે વિવાદ કરતી અને બે લાખ રૂપિયા આપવાની જીદ કરી હતી. જ્યારે પરિવારના અન્ય સભ્યો કમલકાંત માટે દવા લેવા દોડી રહ્યા હતા, ત્યારે કાજલે મદદ કરવાને બદલે કોઈપણ પ્રકારનો ભાવનાત્મક ટેકો આપવાનો પ્રયત્ન પણ કર્યો નહોતો. પતિની લોહીની તપાસણી કરવા કહ્યું ત્યારે તે હોસ્પિટલમાંથી બહાર જતી રહી હતી એવા આરોપ કરવામાં આવી રહ્યા છે.

જ્યારે પરિવારે આ પ્રકરણની તપાસ કરવાનું નક્કી કર્યું તે સમયે કાજલે કોઈ રસ દાખવ્યો નહોતો. આથી તેના પર વધારે શંકા ગઈ હતી. આરોપી કાજલે કમલકાંતની ભીવંડીની ઓફિસ વેચી દીધી અને વિવિધ વીમા કંપનીઓને ફોન કરી શાહની પોલીસી બાબતે પૂછપરછ કરી હતી.

– વેપારીની હત્યા અગાઉ તેમની માતાનું પણ આવી જ રીતે મૃત્યુ
વેપારી કમલકાંતની માતા સરલા શાહનું 13 ઓગસ્ટના મૃત્યુ થયું હતું. તે સમયે તેમના મોત અગાઉ પણ સમાન લક્ષણો જોવા મળ્યા હતા. આમ કાજલે પહેલાં સાસુ અને પછી પતિને સ્લો પોઈઝન આપ્યું હોવાની શંકા છે. પોલીસ આ મામલાની પણ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. તમને જણાવી દઈઓ કે આ બનાવ મુંબઈના સાંતાક્રુઝનો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page