|

મહિલા ડૉક્ટરે ઈન્કમ ટેક્સ કમિશ્નર ભાઈને કિડની દાનમાં આપી, બહેનના ત્યાગને સો સો સલામ

કહેવાય છે કે દુનિયામાં એક જ પ્રેમ એવો છે જે બિલકુલ નિ:સ્વાર્થ છે અને એ છે ભાઈ-બહેનનો પ્રેમ. પરિવાર ગરીબ હોય કે ઉચ્ચ પણ ભાઈ-બહેનનો પ્રેમ બધે નિરાળો જ હોય છે. આવો જ એક સુંદર કિસ્સો સામે આવ્યો છે. રક્ષાબંધનના પર્વ પહેલાં એક બહેને ભાઈ માટે કરેલો ત્યાગ જોઈને દુનિયા વાહ વાહ કરી રહી છે. એક ખ્યાતનામ ડૉક્ટર બહેને તેના ક્લાસ વન ઓફિસર ભાઈને કિડની દાનમાં આપી નવજીવન આપ્યું છે. આ કિડની ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ફેમસ કિડની ઈન્સ્ટીટ્યૂટ (IKDRC)માં કરવામાં આવ્યું હતું.

રક્ષાબંધનના પવિત્ર પર્વની ઠીક પહેલાં ડૉ. સુજાતા દેવે તેમના ભાઈ સંદિપ કુમારને કિડની દાનમાં આપી છે. ડૉ. સુજાતા દેવ લખનઉ મેડીકલ કોલેજના પ્રોફેસર અને ગાયનેકોલોજિસ્ટ છે. જ્યારે ઈન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS) ઓફિસર સંદિપ કુમાર હાલ ઉત્તર પ્રદેશના લખનઉમાં પ્રિન્સિપલ ઈન્કમ ટેક્સ કમિનિશ્રર તરીકે સેવા આપે છે. સંદિપ કુમાર આ પહેલાં સુરતમાં ઈન્કમ ટેક્સ કમિનિશ્રર તરીકે લાંબો સમય સુધી સેવા આપી ચૂક્યા છે.

આ અંગે 1989ની બેંચના આઈઆરએસ અધિકારી સંદિપ કુમારે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ”હું મારી બહેનનો આભાર માનું એટલો ઓછો છે. સામાન્ય રીતે રક્ષાબંધન પર ભાઈ બહેનને ગિફ્ટ આપતો હોય છે. પણ મારી બહેન સુજાતાએ મને કિડની આપી જિંદગીની ગિફ્ટ આપી છે.”

સંદિપ કુમારે કહ્યું, ”હું આ વર્ષે ફેબ્રુઆરીથી ડાયલિસીસ પર હતો. અમે બે વખત કિડનીનું ડોનેશન મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ યોગ્ય મેચિંગ થયું નહોતું. અંતે કોઈ ફેમિલી મેમ્બર પાસેથી જ કિડની ડોનેટ લેવાનો છેલ્લો ઓપ્શન મારી પાસે બચ્યો હતો. મારી બહેને આગળી આવી મને કિડની આપવાનો નિર્ણય લીધો અને એ કિડની મેચ પણ થઈ હતી.”

51 વર્ષના બહેન ડૉ. સુજાત દેવે જણાવ્યું હતું કે ”મારા માટે મારો ભાઈ સંદિપ બધું જ છે. મેડિકલ પ્રોફેશનમાં હોવાથી કિડની ડોનેશન અને ડોનેટ કરતી વખતે કઈ બાબતોની ધ્યાન રાખવું એની મને બધી ખબર હતી. હું મારા ભાઈને નવી જિંદગી આપીને ખુશ છું ”

આ કિડની ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ફેમસ કિડની ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ (IKDRC) ખાતે તારીખ 14 ઑગસ્ટના રોજ કરવામાં આવ્યું હતું. કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ સંદિપ કુમારની તબિયત સારી છે. તેમને ટૂંક સમયમાં રજા આપવામાં આવી શકે છે.

સંદિપ કુમારનું આ બીજી વખત કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું છે. વર્ષ 2012માં તેમની બંને કિડની ફેઈલ થઈ હતી. ત્યારે તેઓ સુરતમાં ઈન્કમ ટેક્સ કમિશ્નર તરીકે સેવા આપતા હતા. ત્યારે તેમને બ્રેઈન ડેડ દર્દી તરફથી કિડની દાનમાં મળતાં વર્ષ 2013માં ઓપરેશન કરી અમદાવાદમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ તેમણે સુરતમાં અંગેદાન ફિલ્ડમાં નોંધનીય કામગીરી બજાવી હતી. હાલ તેઓ સુરતની એનજીઓ ડોનેટ લાઈફમાં વાઈસ પ્રેસિડન્ટની જવાબદારી પણ નિભાવી રહ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.