Sunday, April 14, 2024
Google search engine
HomeGujaratવધુ એક દીકરીએ અનંતની વાટ પકડી, પિતાએ કહ્યું- એ દિવસે અમારા...

વધુ એક દીકરીએ અનંતની વાટ પકડી, પિતાએ કહ્યું- એ દિવસે અમારા ઘરે પ્રસંગ હતો

‘હિમાંશી ભણવામાં ઘણી હોશિયાર હતી. બારમા ધોરણમાં ભણતી અને ત્રીજો નંબર લાવતી હતી. તે એવું કહેતી હતી કે મારા ભાઈઓ જે ભણ્યા છે તેના કરતાં સારું ભણવું છે. હું મારી દીકરીને એવી રીતે રાખતો કે એને કોઈ તકલીફ ન પડે. એ દિવસે હિમાંશીએ મારી મમ્મીને કહ્યું કે ‘બા, સોડા (કોલડ્રિંક્સ) લઈ આવોને.’ એટલે મારાં મમ્મી સોડા લેવા ગયાં. એ અવારનવાર કંઈ મગાવતી હોય છે એટલે મારાં મમ્મીને બીજું કંઈ સૂઝ્યું નહીં. ત્યારે બીજું કોઈ ઘરે નહોતું. તેણે દરવાજો બંધ કરી દીધો. બાદમાં ખડ (ઘાસ) બાળવાની દવા પીને એ ઘરની અંદર આવેલા પાણીના ભૂગર્ભ ટાંકામાં ઊતરી ગઈ.’ આટલું બોલતાં જ મનોજભાઇ જસાણીના ગળે ડૂમો ભરાઈ આવ્યો.

 બનાવના આખા ગુજરાતમાં પડઘા પડ્યા
ગ્રીષ્મા વેકરિયા આ નામથી આખું ગુજરાત પરિચિત છે. સુરતમાં 20 વર્ષની દીકરીને એકતરફી પ્રેમમાં ફેનિલ નામના નરાધમે સરાજાહેર રહેંસી નાખી હતી. આ ઘટનાથી આખું રાજ્ય હચમચી ગયું હતું. આ શોકિંગ ઘટનાને ઘણો સમય વીતી ગયો છતાં આ પ્રકારના બનાવ અટકવાનું નામ નથી લેતા. આવો જ એક બનાવ ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં બન્યો છે. 15 દિવસ પહેલાં મોટાસુરકા ગામે લુખ્ખા તત્ત્વોના ત્રાસથી 16 વર્ષની સગીર દીકરી હિમાંશી જસાણીએ ઝેરી દવા પીને પાણીના ટાંકામાં કૂદી ગઈ હતી. બનાવના આખા ગુજરાતમાં પડઘા પડ્યા હતા. પાટીદાર આગેવાનોએ આ કેસમાં છેક મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હતી, જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને ત્રણ યુવકની ધરપકડ કરી હતી.

એ દિવસે અમારા ઘરે પ્રસંગ હતો
હિમાંશી પિતા મનોજભાઇ જેસાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘આ ઘટના 9 તારીખે સાંજે 8 વાગ્યા પછી બની હતી. એ દિવસે અમારા ઘરે પ્રસંગ હતો. મારા કૌટુંબિક મોટા બાપુજીના છોકરાના લગ્ન હતા. સાંજે 5 વાગ્યે અમે જાન લઈને પરત પણ ઘરે આવી ગયા હતા. સાંજે 7 વાગ્યે મારા નાના ભાઇને સુરત જવું હતું. તેને મૂકવા હું બસ સ્ટેન્ડ ગયો હતો. મારાં મમ્મી અને ભાભી બંને ઘરે હતાં. સાંજે સવા આઠ વાગ્યે મારાં ભાભી સત્સંગમાં ગયાં હતાં. એ સત્સંગમાં જતાં જ હોય છે. હિમાંશીએ મારાં મમ્મીને સોડા લેવા બહાર મોકલ્યાં અને પોતે આ પગલું ભરી લીધું.’

ટાંકાનું ઢાંકણું કેમ ખુલ્લું છે?
મનોજભાઈનો અવાજ ધીમે ધીમે ભારે થવા લાગે છે. આગળ ધ્રૂજતાં અવાજે કહે છે, ‘મારા ભાભી અને મમ્મી બંને ઘરે આવ્યાં તો હિમાંશી દરવાજો ખોલતી નહોતી. એ પછી મારાં ભાભી અને મમ્મીએ પડોશીને કહ્યું કે ‘મુકેશ અને અનિલને ફોન કરો જલદી.’ તો તેમણે પૂછ્યું કે ‘કેમ?’ મમ્મીએ કહ્યું કે ‘ગુડ્ડી (હિમાંશી) દરવાજો ખોલતી નથી.’ એટલે બાજુવાળાએ મને ફોન કરીને કહ્યું કે ‘જલદી ઘરે આવી જાઓ. ગુડ્ડી દરવાજો ખોલતી નથી.’ અમે ઘરે આવી ગયા, દરવાજો ખૂલતો નહોતો. મારા કાકાના દીકરાએ બારી ખોલી અને ચારેબાજુ અંદર જોયું, પણ અંદર કોઈ દેખાયું નહીં. અમારું ઘર ગામની વચ્ચે છે. એટલે ત્યાં સુધીમાં 150 લોકો આવી ગયા. પછી અમે ડેલો ખોલ્યો. અંદર ગયા. ત્યાં કોઈને વિચાર આવ્યો કે ટાંકાનું ઢાંકણું કેમ ખુલ્લું છે? ગામના આગેવાનો આવીને મોબાઇલની ટોર્ચ કરીને અંદર જોયું તો મારી હિમાંશી અંદર હતી. તેમણે જ બહાર કાઢી.’

જે માગતી એનાથી ડબલ લઈને આપતો
બે દિવસ પહેલાં જ તેણે મારી પાસે બુટ્ટી અને બીજી બધી વસ્તુઓ મગાવી હતી. છેલ્લા બે દિવસમાં તો મારે કોઈ ખાસ વાત નહોતી થઈ. તેની મમ્મી સાથે તેણે વીડિયો કોલ પર વાત કરી હતી. અમારે તો સાંજે જમવા આવી જા અને એવી જ વાતો થતી હોય. એ સવારે 7 વાગ્યે સ્કૂલે જતી રહે અને હું ફેક્ટરી પર જતો રહું. 3 વાગ્યે પાછી આવે. હું મારાં પત્ની, ભાભી, બા અને હિમાંશી અહીં રહેતાં હતાં. મારે એક છોકરી અને છોકરો બે જ છે. છોકરાએ કોલેજના બીજા વર્ષ પછી ભણવાનું મૂકી દીધું હતું. મારા ભાઈ સુરત રહે છે. મારા ઘરે કોઈ પ્રોબ્લેમ જ નહોતો તો હું શું માનું? મારા ઘરે કોઈ બનાવ બન્યો હોય, કોઈ વસ્તુ તેણે માગી હોય અને મેં ના લાવી દીધી હોય કે કોઈ ચર્ચા થઈ હોય તો માનીએ કે આપણાથી કંઈ થયું છે, પણ એવું કંઈ થયું જ નથી તો શું માનવાનું? તે માગે એના કરતાં ડબલ લાવીને આપતો હતો.

હિમાંશીએ કોઈ રીતે જાણ જ ન થવા દીધી
મનોજભાઈએ કહ્યું, ‘હું જ્યારે ઘરે હાજર હતો ત્યારે મને એવું કંઈ દેખાયું નહોતું. બે દિવસ અગાઉ તે મારી સાથે આખો દિવસ રહી. વસ્તુઓ મગાવી. તેની મમ્મી સુરત હતી. તેની સાથે વીડિયો પર વાત થઈ ત્યારે પણ કંઈ નહોતું લાગ્યું. કદાચ એ દબાણમાં હોય, મને કંઈ કહ્યું જ નહોતું. કહ્યું હોત તો ફરિયાદ કરત.

બહેનપણીઓને પૂછ્યું ત્યારે બધી ખબર પડી
મનોજભાઇ આગળ જણાવે છે, દીકરી હિમાંશીએ અંતિમ પગલું કેમ ભર્યું એ જાણવા માટે પછી અમે તેની બહેનપણીઓ સાથે વાત કરી. ત્યારે તેમણે કહ્યું કે ગામના ત્રણ લુખ્ખા યુવકો તેને રોકતા અને ટોકતા. મોટર લઈને નીકળતા. મને લાગે છે કે તેમનો ત્રાસ તો પૂરેપૂરો હશે તો જ આવી ઘટના બને.

10 દિવસ પહેલાં ખબર પડી કે દીકરીને હેરાન કરે છે
ગામમાં આ ત્રણ લુખ્ખાએ પહેલાં પણ અન્ય છોકરીઓને છેડતી કરેલી હતી. ગામના લોકોએ પોત-પોતાની છોકરીને સાવચેત રહેવાની સલાહ પણ આપી હતી. મેં પણ હિમાંશીને સલાહ આપી હતી કે આપણે એ તરફ નહીં જવાનું અને એક્ટિવા શીખવા જાય તો બહેનપણીને લઈને જવાનું. તેણે મને કહ્યું હતું, અમે ત્યાં જઈએ તો એ ત્યાં ઊભા હોય જ છે. મેં કહ્યું હતું કે તો આપણે નહીં જવાનું. 10 દિવસ પહેલાં મને ગામમાંથી ખબર પડી હતી કે લુખ્ખાં તત્ત્વોએ મારી દીકરીને હેરાન કરી હતી. હું ફરિયાદ પણ કરવા જવાનો હતો, પણ દરમિયાન ઘરમાં લગ્નપ્રસંગ આવ્યો, તો પછી પોલીસમાં જવાનું નક્કી કર્યું હતું.

બહેનપણીઓએ પોલીસને કહી વાત
તેમણે ઉમેર્યું હતું કે હિમાંશીની બહેનપણીઓ આ કેસમાં સાક્ષી બની છે. તેમને જે ખબર હતી એ બધું તેમણે લખાવ્યું છે. કઈ રીતે ટ્યૂશનમાં જતી વખતે હેરાન કરતા હતા. છોકરીઓએ નામ આપ્યાં ત્યારે ખબર પડી, બાકી મને પહેલાં તો કંઈ ખબર નહોતી. હું વેપારી માણસ છું. સવાર-સાંજ ભાવનગર જવાનું હોય.

છોકરીના લગ્ન તોડાવ્યા હતા
તેઓ આગળ કહે છે, મારી માહિતી અનુસાર, અગાઉ પણ આ ત્રણેયે લુખ્ખાઓએ ઘણી છોકરીઓને હેરાન કરેલી છે. તેમણે કોઈ ફરિયાદ ન કરી એટલે આ બધું થયું. એક છોકરીના તો લગ્ન પણ તોડાવી નાખ્યા હતા, એવું મેં સાંભળેલું છે. એક બીજી છોકરીને પણ હેરાન કરી હતી, પણ એ કોઈએ કંઈ કહ્યું નહીં. મારી દીકરી નાની-ભોળી હતી. તેણે આ ત્રાસથી આવું પગલું ભરી લીધું. તે લોકો છોકરીઓને ધમકાવતા હોય, બ્લેકમેઇલ કરતા હોય, ફોટા પાડીને કદાચ હેરાન કરતા હોય એવી જાણ મને થઈ છે.

ઘટના બહાર આવતાં સમાજ એકઠો થયો
આજુબાજુના બધા સમાજના લોકો સાથ-સહકાર આપવા આવ્યા છે. અમે કેન્ડલ માર્ચ કરી હતી એમાં 15 ગામના 2000 લોકો આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે તમે આ ઘટના દબાવશો નહીં. પછી અમે કેસ કર્યો. પોલીસની કામગીરીથી મને સંતોષ છે.

કોણ છે આરોપીઓ?
ત્રણ આરોપીનાં નામ સામે આવ્યાં છે, જેમાં વિપુલ જોટાણા ઉર્ફે બિગ બી (ગાયત્રી પાર્ક સોસાયટી, સિહોર), મહેશ જોટાણા ઉર્ફે પપ્પુ (મોટા સુરકા) અને એક સોળેક વર્ષનો સગીર છે અને ભણે છે. જ્યારે વિપુલ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે અને મહેશ ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે. મુખ્ય આરોપી વિપુલ જોટાણા છે.

અન્ય એક ફરિયાદ પણ નોંધાઈ
ઘટના અંગે તપાસ અધિકારી પીઆઈ પીબી જાદવે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે હિમાંશીએ આત્મહત્યાનું પગલું ભર્યા બાદ ત્રણે આરોપી ભાગી ગયા હતા. પોલીસ અલગ અલગ ટીમ બનાવીને તેમને શોધી રહી હતી, ત્યારે બાતમીને આધારે 10 દિવસ બાદ વરતેજ નજીક આવેલી રંગોળી હોટલ પાસેથી પકડાયા હતા. હાલ આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મળ્યા છે. તેમના મોબાઈલ ફોન તથા અન્ય મુદ્દામાલ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. તેમના ફોનમાંથી પણ ચેટ મળી આવી છે. અગાઉ પણ આ લોકો છોકરીઓ સાથેના નાના-મોટા ઇસ્યુ માટે બબાલો કરેલી છે, એવા પ્રૂફ પણ મળ્યા છે. એમાં છોકરીનું નામ લીધા પછી ગામનું ટોળું આરોપીના ઘરે ગયા બાદ સમાધાન થયું હોય. આરોપીઓ વિરુદ્ધ આ બાબતે અગાઉ કોઈ કેસ નોંધાયેલા નથી. ત્રણેય જમીન વેચીને ગાડીઓ લાવે અને એ ફેરવતા. ટૂંકમાં કહીએ તો આ બંને ગામના ન્યૂસન્સ હતા. આ ઘટના સામે આવ્યા બાદ અન્ય એક સ્થાનિકે પણ આવી ફરિયાદ નોંધાવી છે, જે સિહોર પોલીસ મથકે નોંધાઈ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments