Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratખજૂર

ખજૂર

ગુજરાતમાં સોશિયલ મીડિયા વાપરતી ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે ‘ખજૂરભાઈ’ એટલે કે નીતિન જાનીને ઓળખતી નહીં હોય. અગાઉ ‘ખજૂર’ના નામથી પોતાના કોમેડી વીડિયો બનાવીને પ્રચંડ લોકપ્રિયતા મેળવનાર નીતિન જાની હવે પોતાનાં સેવા કાર્યોથી સમગ્ર ગુજરાતમાં ખુણે ખુણે જાણીતા બન્યા છે. હવે નીતિન જાની વિશે રસપ્રદ પર્સનલ માહિતી સામે આવી છે. સૌના પ્રિય ખજૂરભાઈ યાને કે નીતિન જાની ઘોડે ચડવાના છે. તેમણે ગયા મહિને મીનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઈ કરી હતી. આ સાથે જ ચાહકોમાં એક ઉત્સુકતા જાગી છે કે ‘ખજૂરભાઈ’ની જીવનસંગિની મીનાક્ષી દવે કોણ છે? નીતિન જાની અને મીનાક્ષી દવેની લવસ્ટોરી કેવી રીતે ચાલુ થઈ? કોણે પહેલાં પ્રપોઝ કર્યું? એકબીજાની કઈ વાત ગમે છે? નીતિન જાનીએ એક ખાનગી વેબસાઈટ સાથેની વાતચીત દરમિયાન પોતાનાં સેવાકાર્યોની તથા અત્યાર સુધીમાં કેટલાં મકાનો બનાવ્યાં તે અંગે પણ વિગતે વાત કરી હતી.

મીનાક્ષી દવે સૌરાષ્ટ્રનાં વતની છે
નીતિનભાઈનાં વાગ્દત્તા મીનાક્ષી દવે સાવરકુંડલાના દોલતી ગામનાં વતની છે. તેમના પિતા કિશોરભાઈ દવે સિંચાઈ ખાતામાં નોકરી કરે છે, જ્યારે માતા અરુણાબેન હાઉસવાઇફ છે. મીનાક્ષી દવેને ત્રણ મોટી બહેનો (નીલમ, કોમલ તથા દેવાંગી) છે અને ભાઈ હરકિશન છે. મીનાક્ષી દવેની બે મોટી બહેનોનાં લગ્ન થઈ ગયાં છે અને ત્રીજી બહેનની સગાઈ થઈ છે. તેમનો ભાઈ બી.કોમ,ના ત્રીજા વર્ષમાં ભણે છે.

‘હું ચોથા ધોરણમાં હતી ત્યારથી જ હોસ્ટેલ રહેવા જતી રહેલી’
મીનાક્ષી દવેના અભ્યાસની વાત કરીએ તો તેમણે બેચરલ ઑફ ફાર્મસી કરેલું છે. મીનાક્ષીબેન ચોથા ધોરણથી હોસ્ટેલમાં રહેવા જતાં રહ્યાં હતાં. મીનાક્ષી દવેએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘મને શરૂઆતમાં હોસ્ટેલમાં રહેવું નહોતું ગમતું. મમ્મી-પપ્પાથી દૂર થવું પણ નહોતું ગમતું. તો સામે મારા પરિવારને પણ એમ હતું કે હું હજી ચોથામાં ભણું છું ને કેવી રીતે બધું મેનેજ કરીશ. શરૂઆતમાં તો હું ક્યારે રજા પડે અને મારાં મમ્મી-પપ્પા મને ઘરે લઈ જાય તેની આતુરતાથી રાહ જોતી હતી. જોકે, સમય જતાં હું ધીમે ધીમે હોસ્ટેલ લાઇફથી ટેવાઈ ગઈ હતી.’

‘અમદાવાદ કેડિલામાં નોકરી કરતી હતી’
મીનાક્ષીએ જણાવ્યું હતું, ‘બી.ફાર્મ. બાદ મેં અમદાવાદસ્થિત કેડિલા ફાર્મા કંપનીમાં નોકરી પણ કરી હતી. જોકે, થોડા સમય પહેલાં જ મેં નોકરી છોડી હતી.’ નોકરી છોડવાનું કારણ જણાવતાં મીનાક્ષીએ કહ્યું હતું, ‘મારી મમ્મીની તબિયત થોડી નરમ-ગરમ રહેતી હતી અને તેમની સેવા માટે જ મેં નોકરી છોડી દીધી.’

‘પહેલી વાર નીતિન જાનીને ચાહક તરીકે મળેલી’
મીનાક્ષી દવેને જ્યારે પૂછવામાં આવ્યું કે નીતિન જાની સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યા તો તેમણે જણાવ્યું હતું, ‘હું અને મારો પરિવાર નીતિન જાનીને તેમના વીડિયોના માધ્યમથી ઓળખતા હતા. નીતિન જાની પોતાનાં સેવાકાર્યોના કામ અર્થે મારા દોલતી ગામે આવ્યા હતા. અહીંયા પણ તેમણે મકાનો બનાવ્યાં છે. પહેલી જ વાર જ્યારે નીતિન જાની મારા ગામે અંધ દાદીમા રાજીમાનું ઘર બનાવવા આવ્યા હતા. આ સમયે મેં પહેલી જ વાર તેમને જોયા હતા. આમ તો હું તે સમયે અમદાવાદમાં નોકરી કરતી હતી, પરંતુ કેટલાંક કામસર હું મારા ગામડે આવી હતી. દાદીમાના ઘરની આસપાસ મારા કાકા રહેતા હતા. નીતિન જાની આટલા મોટા સેલિબ્રિટી છે અને તેમને હું ચાહક તરીકે જ પહેલી વાર મળી હતી અને મેં તેમની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો હતો.’

‘મીનાક્ષીને જોઈને મને ફર્સ્ટ સાઇટ લવ જેવું કંઈ થયું નહોતું’
નીતિન જાનીને જ્યારે મીનાક્ષી દવે સાથેની પહેલી મુલાકાત અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું, ‘2021માં હું દોલતી ગામ અંધ રાજીમાનું ઘર બનાવવા આવ્યો હતો. અહીંયા મેં પહેલી જ વાર મીનાક્ષીને જોઈ હતી. મીનાક્ષીને જોઈને મને ફર્સ્ટ સાઇટ લવ જેવું કંઈ જ થયું નહોતું. હું તો દાદીમાની હાલત જોઈને દુઃખી થઈ ગયો હતો. બે ઘડી માટે તો મને ખ્યાલ જ નહોતો આવતો કે હું મારા દુઃખને કેવી રીતે વ્યક્ત કરું. થોડી ક્ષણો બાદ આખા ગામે મારી સાથે ફોટો પડાવ્યા હતા અને તેમાંથી મીનાક્ષી પણ એક હતી.’

‘મંદિરે દર્શન કરવા ગયા ને પહેલી વાર બંને પરિવાર મળ્યા’
મીનાક્ષી દવેએ આ વાતને આગળ વધારતાં કહ્યું હતું, ‘થોડા સમય બાદ ખાંભા નજીક હનુમાનગઢમાં હનુમાનજીનું મંદિર આવેલું છે. અહીંયા દર્શન માટે નીતિન જાનીનો પરિવાર આવ્યો હતો અને તે સમયે હું પણ મારા પરિવાર સાથે ગઈ હતી. આ દરમિયાન મારો ને તેમનો પરિવાર એકબીજાને મળ્યો હતો અને એકબીજાના નંબર લીધા હતા. નીતિન જાનીના મમ્મીને પણ હું અહીંયા પહેલી જ વાર મળી હતી. તેમને તો મારો સ્વભાવ ઘણો જ ગમી ગયો હતો.’

‘મારા પરિવારને મીનાક્ષીનો પરિવાર ગમી ગયો’
આ વાતમાં ઉમેરો કરતાં નીતિનભાઈ કહે છે, ‘મારા પરિવારને તેમનો પરિવાર ઘણો જ ગમી ગયો હતો. ત્યારબાદ હું પાછો દોલતી ગામ આવ્યો હતો અને રાજીમાના ઘરની પૂજા કરી હતી અને તેમને ઘરમાં રહેવા લઈ ગયા હતા. આ સમયે પણ તેમનો પરિવાર હતો. જોકે, ત્યારે પણ મારા મનમાં એવા કોઈ વિચાર નહોતા.’

‘પહેલી મુલાકાત બાદથી બંને પરિવાર સંપર્કમાં રહેવા લાગ્યા’
મીનાક્ષીએ કહ્યું, ‘હનુમાનગઢથી આવ્યા બાદ બંને પરિવાર વચ્ચે વાતચીત થવા લાગી હતી. હું પણ નીતિન જાનીના વીડિયોમાં કમેન્ટ્સ કરતી અને તેમના વીડિયો પણ જોતી હતી. જોકે, તે સમયે મારા મનમાં એકવાર પણ એવો વિચાર નહોતો આવ્યો કે ભવિષ્યમાં નીતિન જાની મારા લાઇફ પાર્ટનર બનશે.’

‘મમ્મીએ મને મીનાક્ષી ગમે છે તે વાત કહી હતી’
નીતિન જાની વાતને આગળ વધારતાં કહે છે, ‘થોડો સમય બાદ મારાં મમ્મીએ મને એમ કહ્યું હતું કે તે બ્રાહ્મણ પરિવાર છે અને છોકરી પણ ઘણી જ સારી છે. ત્યારે મારા મનમાં બે ઘડી સવાલ થયો, અચ્છા તે આ છોકરીની વાત કરે છે. જેના વિશે ક્યારેય વિચાર ના કર્યો હોય અને ઘરમાં તેની જ વાત ચાલતી હોય તો સામાન્ય રીતે આપણા મનમાં જે ગડમથલ ચાલતી હોય તેવી થોડી ઘણી ચાલી હતી. મારાં મમ્મીને મીનાક્ષી ઘણી જ ગમી ગઈ હતી. પછી મેં તેમને કહ્યું, ‘પહેલાં તમે તેમનો સ્વભાવ જાણો, પરિવારને ઓળખો અને પછી વાત આગળ વધારજો. બસ, પછી તો અમારું નક્કી થઈ ગયું ને સગાઈ પણ થઈ ગઈ.’

‘નીતિન જાનીનાં મમ્મીએ મારા ઘરે માગું નાખ્યું’
મીનાક્ષીએ વાતને આગળ વધારતાં કહ્યું કે, ‘આમ થોડો સમય પસાર થયો અને નીતિન જાનીનાં મમ્મીએ મારા માટે મારા ઘરે માગું નાખ્યું હતું. મારો પરિવાર તો આ વાત સાંભળીને એકદમ ખુશ થઈ ગયો હતો. આમ પણ નીતિન જાની તો ગુજરાતનું ગૌરવ છે. તેમની સાથે લગ્ન થશે તે વાત સાંભળીને જ હું પણ ખુશખુશાલ થઈ ગઈ હતી.’

‘એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર હા પાડી દીધી’
મીનાક્ષીને જ્યારે પૂછવામાં આવ્યું કે જ્યારે નીતિન જાનીનું માગું તમારા માટે આવ્યું તો તમે હા પાડવામાં કેટલો સમય લીધો હતો? આ સવાલ પૂરો થાય તે પહેલાં જ મીનાક્ષી જલ્દીથી જવાબ આપ્યો હતો, ‘મેં તો એક ક્ષણનો પણ વિચાર કર્યો નહોતો અને તરત જ હા પાડી દીધી હતી. મારા માટે આ શૉકિંગ ન્યૂઝ હતા. ગુજરાતમાં આટલી નામના ધરાવનાર અને આટલા મોટા સેલિબ્રિટીની હું પત્ની બનીશ તે વાત જ મારા માટે આશ્ચર્યજનક હતી. હું તો મારી જાતને દુનિયાની સૌથી નસીબદાર યુવતી માનું છું. મારા લગ્ન નીતિન જાની સાથે નક્કી થયાં છે.’

‘નીતિન જાની સેલિબ્રિટી પણ છે અને સેવાકાર્ય પણ કરે છે’
નીતિન જાનીની કઈ વાત સૌથી વધારે ગમે છે? તેના જવાબમાં તેમણે કહ્યું હતું, ‘મને તો નીતિનની દરેકે દરેક વાત ગમે છે. સેલિબ્રિટી હોવું અલગ વાત છે અને સેવાનાં કાર્ય કરવા એ પણ અલગ વાત છે. નીતિન જાનીમાં આ બંને વાતોનો સમન્વય જોવા મળે છે અને તેથી જ આ વાત ઘણી મોટી બની જાય છે. ઘણા લોકો પાસે પૈસા તો હોય છે, પરંતુ તેઓ સારા કામમાં પૈસા વાપરતા નથી.’

‘મીનાક્ષીનો પરિવાર એકદમ ધાર્મિક છે’
નીતિન જાનીને મીનાક્ષીની કઈ વાત ગમી તે અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે પોતાના સાસરિયાનાં વખાણ કરતાં કહ્યું હતું, ‘મીનાક્ષીનો પરિવાર ઘણો જ એટલે ઘણો જ ધાર્મિક છે. તેઓ ઘરમાં દર મહિને ત્રણેકવાર તો સત્યનારાયણની કથા કરાવે છે અને જાતે વાંચે છે. પરિવાર ગાયને રોટલી નાખ્યા બાદ જ જમે છે. વાત જો મીનાક્ષીની કરવામાં આવે તો મને તેની એક ક્વૉલિટી સૌથી વધારે ગમે છે. એ છે કે આટલી મોટી ડિગ્રી ને એજ્યુકેટેડ ને કેડિલામાં નોકરી કરી હોવા છતાં મહિનામાં જાતે સત્યનારાયણની કથા વાંચે છે, સવારે ઊઠીને ગાયને રોટલી ખવડાવે છે. બપોરે ગાયને જમાડીને જ જમતી હોય છે. મીનાક્ષી જ્યારે કેડિલામાં જોબ કરતી તો ત્યાં મોર્નિંગમાં જાય પછી સાંજે જ બહાર નીકળવાનું હોય. તે બપોરે 12 વાગ્યે લંચ કરત તો ટિફિનમાં ગાયની રોટલી અચૂક લઈ જતી અને સાંજે ઘરે જતી વખતે બસમાંથી ઊતરીને સૌ પહેલાં ગાયને રોટલી ખવડાવે અને પછી જ ઘરે જાય. ભણેલી-ગણેલી છોકરીમાં આવી બાબત બહુ ઓછી જોવા મળે અને મને તેની આ વાત સૌથી વધારે ગમી.’

‘નીતિન જાનીએ જ પહેલો ફોન કર્યો હતો’
પરિવારે સંબંધ નક્કી કર્યો પછી કોણે સૌ પહેલાં ફોન કર્યો તે અંગે વાત કરતાં જ મીનાક્ષી દવેએ સહેજ શરમાતાં અવાજમાં કહ્યું હતું, ‘મારા પરિવારે માગું સ્વીકારી લીધું અને પછી સૌ પહેલો ફોન નીતિન જાનીએ સામેથી કર્યો હતો. ફોન પર મેં તો સૌ પહેલાં એમ જ કહ્યું હતું કે તમે મારા લાઇફ પાર્ટનર બનવાના છો તે વાત જ મારા માટે શૉકિંગ હતી. મેં તો હંમેશાં તમને એક સેલિબ્રિટી તરીકે જ જોયા છે. હું તમારા પ્રશંસક છું. તમારું સારું કામ જોયું છે.’

‘અમે સગપણ નક્કી થયા બાદ સગાઈમાં જ પહેલી વાર મળ્યાં’
મીનાક્ષી દવેએ કહ્યું હતું, ‘સંબંધ બંને પરિવાર તરફથી નક્કી થયા બાદ સગાઈ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અમે શોપિંગમાં વ્યસ્ત થઈ ગયા હતા તો નીતિન જાની સૌરાષ્ટ્રમાં મકાનો બનાવવામાં ઘણા જ વ્યસ્ત હતા. આ જ કારણે અમારી વચ્ચે ખાસ વાતચીત પણ થઈ નહોતી. અમે સીધા સગાઈમાં જ એકબીજાને પહેલી વાર મળ્યા હતાં.’

‘નીતિન જાની વ્યસ્ત હોવાથી બહુ વાતો થતી નથી’
સગાઈ ને લગ્ન વચ્ચેના સમયને ગોલ્ડન ટાઇમ કહેવામાં આવે છે. આ ટાઇમ તમે ને નીતિન જાની કેવી રીતે એન્જોય કરો છો, તેવા એક સવાલના જવાબમાં મીનાક્ષી જણાવે છે, ‘તે તો બહુ જ વ્યસ્ત રહે છે. દિવસમાં અમે કલાકોના કલાકો વાત કરી શકતા નથી, પરંતુ દિવસમાં વધુ નહીં પણ મારા માટે બે-પાંચ મિનિટનો સમય તો અચૂકથી કાઢી લે છે.’ તો નીતિન જાનીએ કહ્યું હતું, ‘અમારા બ્રાહ્મણમાં લગ્ન પહેલાં મળવાનું બહુ ઓછું હોય છે. ભલે અમારી સગાઈ થઈ ગઈ, પરંતુ આ મળવા કરવાનું ચલણ અમારામાં ઓછું છે.’

‘બંને બહેનોનાં સાથે લગ્ન થશે’
મીનાક્ષી દવેએ જણાવ્યું હતું, ‘સગાઈ બાદ અમે બંને સુરતના એક કાફેમાં ગયા હતા. લગ્ન ક્યારે થશે તે અંગે હજી સુધી વિચાર્યું નથી, કારણ કે મારાં ને મારી મોટી બહેનના લગ્ન સાથે કરવાનાં છે.’

‘નીતિન જાનીના વીડિયોમાં કામ કરું પણ ખરાં, સેવાકાર્ય સાથ આપીશ’
લગ્ન પછી નીતિન જાનીના કામમાં કેવી રીતે સાથ આપશો? તે અંગે વાત કરતાં મીનાક્ષીએ કહ્યું હતું, લગ્ન પછી હું પણ તેમની સાથે સેવાકાર્ય કરીશ. હું તેમની સાથે રહીને સેવાનાં કામોમાં મદદરૂપ થવાનો શક્ય તેટલો પ્રયાસ કરીશ.’ નીતિન જાનીના વીડિયોમાં કામ કરશો? તે સવાલ પૂછતાં મીનાક્ષીએ જણાવ્યું હતું, ‘આમ તો મને થોડો ઘણો એક્ટિંગનો શોખ છે અને રીલ્સ પણ બનાવતી હોઉં છું. બની શકે કે ભવિષ્યમાં તક મળે તો હું નીતિન જાનીના વીડિયોમાં કામ કરું પણ ખરાં.’

‘સાસરિયાને મારાં સેવાકાર્ય ઘણાં જ ગમે છે’
નીતિન જાનીએ વધુમાં કહ્યું હતું, ‘સગાઈ નક્કી થઈ પછી અમને એકબીજા સાથે વાત કરવાનો સમય બહુ મળ્યો નહોતો, કારણ કે હું મારા ઘર ઘર બાંધવાના કામમાં વ્યસ્ત હતો. મીનાક્ષીનો પરિવાર મારા આ સેવાકાર્યના ઘણાં જ વખાણ કરે છે. તેઓ મારા કામને અદભુત કામ ગણાવે છે. મીનાક્ષી લગ્ન પછી મારી સાથે સેવામાં મારી જોડે જ આવવા માગે છે. મારા સેવાના વ્લોગમાં લગ્ન બાદ હું હંમેશાં તેમને રાખીશ, કારણ કે આ તેમનું મનગમતું કામ છે. તેમને સેવા કરવી ગમે છે.’

‘મેં નીતિન જાનીને સ્ત્રી પાત્ર માટે તૈયાર કર્યાં હતાં’
મીનાક્ષી દવેએ કહ્યું હતું, ‘મને તો ક્યારેય આવો વિચાર પણ આવ્યો નથી. છેલ્લે જ્યારે તેમણે શૂટિંગ કર્યું ત્યારે હું પણ સેટ પર હતી. મેં તેમને મારા હાથે જ સ્ત્રી પાત્ર માટે તૈયાર કર્યા હતા. આ તો એક કેરેક્ટર છે. જ્યાં સુધી તમે કેરેક્ટરને આત્મસાત્ ના કરો ત્યાં સુધી તમે તે પાત્ર ક્યારેય સારી રીતે ભજવી શકો નહીં.’

‘અત્યાર સુધીમાં મેં 232 મકાનો બનાવ્યાં’
બે વર્ષ પહેલાં એટલે કે મે, 2021માં ગુજરાતમાં તાઉતે નામના વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં ઘણી જ ખાના-ખરાબી કરી હતી. ત્યારથી જ નીતિન જાની ભગીરથ સેવા કાર્ય આદર્યું છે. 24 મેના રોજ નીતિન જાનીનો જન્મદિવસ હતો, પરંતુ તેમણે જન્મદિવસ સેલિબ્રેટ કર્યો નહીં અને વાવાઝોડાના અસરગ્રસ્તોને બે લાખ રૂપિયાની મદદ કરી હતી. જોકે, પછી મનમાં વિચાર આવ્યો કે આટલા રૂપિયાથી કંઈ થશે નહીં અને તેઓ સૌરાષ્ટ્ર જવા નીકળી પડ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી નીતિન જાનીએ કુલ 232 મકાન બંધાવી આપ્યાં છે.

‘હવે તો ખર્ચની ગણતરી જ માંડી વાળી છે’
ખર્ચ અંગે સવાલ કરવામાં આવ્યો તો નીતિન જાનીએ ઘણી જ સહજતાથી કહ્યું હતું, ‘હવે તો મેં ખર્ચ કેટલો થાય તેની ગણતરી જ કરવાની માંડી વાળી છે. શરૂઆતમાં ઘર બનાવવાનો ખર્ચ અંદાજે બે લાખ રૂપિયા આવતો હતો. જોકે, પછી ઘરને થોડું અપગ્રેડ કર્યું અને ઘરમાં PoP (પ્લાસ્ટર ઑફ પેરિસ)ની સિલિંગ, ઘરની આગળ બ્લોક નાખી દઈએ, રસોડું વ્યવસ્થિત બનાવતા થયા. એટલે હવે એક ઘર બનાવવાનો ખર્ચ 3 લાખ 70 હજાર જેટલો થાય છે.’

‘કોઈની સામે હાથ લંબાવતો નથી’
કોઈની મદદ મળે ખરા તેવા સવાલના જવાબમાં નીતિન જાનીએ કહ્યું હતું, ‘ક્યારેક કોઈ મિત્રતાના ભાવે ઘર બાંધવામાં મદદ કરી દે, બાકી હું જ બધો જ ખર્ચ ઉઠાવું છું. મેં ક્યારેય સામેથી કોઈની પાસે મદદ માગી નથી, મારાથી થાય એટલું હું કરે રાખું છું.’ નીતિન જાની મોટાભાગે સૌરાષ્ટ્ર અથવા તો ગામડાંમાં જ રહેતા હોય છે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ ઘરે ક્યારે જાય તો તેમણે જણાવ્યું હતું, ‘હું ક્યારેક છ મહિને ઘરે જાઉં અને જો કામ પતી જાય તો ક્યારેક 15-15 દિવસે પણ ઘરે જતો આવું છું.’

ITની નોકરી છોડીને ગ્લેમર વર્લ્ડમાં આવ્યા
સુરતમાં 24 મે, 1987મા જન્મેલા નીતિન જાનીના પિતા કથાકાર હતા. નીતિન જાનીએ સુરતમાં જ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ પરિવાર બારડોલી રહેવા જતો રહ્યો હતો. પરિવારમાં ચાર ભાઈઓ (અરુણભાઈ, વરુણભાઈ, નીતિનભાઈ તથા તરુણભાઈ) અને ત્રણ બહેનો (મનીષાબેન, આશાબેન, વર્ષાબેન) છે. નીતિન જાનીએ બારડોલીમાંથી જ BCAનો અભ્યાસ કર્યો છે. પૂણે જઈને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. અહીંયા જ IT ફિલ્ડમાં નોકરીની શરૂઆત કરી હતી. IT ફિલ્ડમાં મહિને 70 હજારનો પગાર છોડીને 2012માં નીતિન જાનીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ક્રાઉડ મેનેજમેન્ટ, પ્રોડક્શન અને IT ડિપાર્ટમેન્ટ જેવા અલગ-અલગ વિભાગોમાં કામ કર્યાં બાદ ઘણી ફિલ્મમાં આસિસટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. નીતિન જાનીએ 2018માં ગુજરાતી ફિલ્મ ‘આવુંજ રહેશે’ ડિરેક્ટ કરી હતી. હાલમાં નીતિન જાની ‘ખજૂરભાઈ’ તથા ‘ખજૂરભાઈ વ્લોગ્સ’ એમ બે યુ ટ્યૂબ ચેનલ ચલાવે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page